વડોદરા જેલમાં દવા પીવાનો ઢોંગ કરી ઉત્પાત મચાવનારા 12 કાચા કામના કેદીઓ સામે નોંધાઇ ફરિયાદ.

દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે

ગઈ કાલે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં 10થી વધુ કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના પગલે ફિનાઇલ પી લેવાની ઘટના સામે આવી હતી. જે બાદ આ તમામ કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આજે વડોદરા મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વિપુલચંદ્ર ડી. બારીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં દવા પીધી હોવાનો ઢોંગ કરી હોબાળો મચાવનાર 12 કેદી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે.

આ મામલે ઇન્સ્પેક્ટર વિપુલચંદ્ર ડી. બારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ટિફિન આવે તે સમયે કેદીઓને અલગ અલગ યાર્ડ બેરેકોમાંથી બદલી થાય છે. ગઈકાલે 21 કેદીઓની અલગ અલગ બેરેકોમાં બદલી કરી હતી. આ દરમિયાન કેદી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “રાજુ દલપતભાઈ ગોહિલની મારી સાથે બંધી થતાં ટિફિન જમવાનો ઇનકાર કરે છે. જેથી તેની બેરેક બદલી ના કરશો.” જોકે અધિક્ષકના આદેશ અનુસાર બેરેક બદલી કરવી ફરજીયાત હોય કેદી યશપાલસિંહ જાડેજા ઉશ્કેરાયો હતો. અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બેરેકમાં જતો રહ્યો હતો. તેના કહેવાથી તથા ઉશ્કેરણીથી અન્ય કાચા આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. આ પૈકી આરોપી અભિજીત ઉર્ફે અભી આનંદ ઝા અને હર્ષિલ પ્રવીણ લીંબાચાએ દવા પી લીધી હોવાનો ડોળ કરી તેઓને અન્ય કેદીઓએ ટીંગાટોળી કરી દવાખાને લઈ જવા યાર્ડની બહાર નીકળી આવ્યા હતા.

જે બાદ તેઓએ જેલ દવાખાનામાં ગેરકાયદેસર મંડળી બનાવી દવાખાનામાં પડેલી વસ્તુઓ , દવાઓ તથા ટેબલો ફંગોળી નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં મેડિકલ સ્ટાફ સાથે પણ ગેરવર્ણતુંક કરી ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ તમામ કેદીઓને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન સલમાન ઉર્ફે સમીર ચાંદખાન હસન મહંમદ મુલ્લાજી પઠાણ, સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મીરાશી, હૈદરઅલી રફીકસા દિવાન, મજીદ રફીકભાઈ ભાણું અને સાબીર ઉર્ફે શેરો કરીમભાઈ મહમ્મદભાઈ શેખએ મંડળી બનાવી સર્કલ બુરજી ખાતે ફરજ પરના અધિકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને આરોપી સલમાન પઠાણે પાણી ભરેલું માટલું પોતાની જાતે પોતાના માથામાં ફોડ્યું હતું. તેમજ લોખંડના સળિયાનું સ્ટેન્ડ ઊંચકી પોતાના માથાના ભાગે ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરતા સમયે સુલતાન મિરાસી લોખંડનું સ્ટેન્ડ આંચકી પોતાના માથામાં જાતે ઈજા કરવા લાગ્યો હતો.

ઇન્સ્પેક્ટર વિપુલચંદ્ર ડી. બારીયાએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં આરોપી સુલતાન મિરાસીના હાથમાંથી લોખંડનું સ્ટેન્ડ છોડાવતા સમયે મને ઈજા પહોંચી છે. અને પોતાની જાતે જમીન ઉપર આળોટી ખોટી રીતે બેહોશ થઈ ગયાનું ઢોંગ કરતા જેલ દવાખાનામાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાર બાદ વારાફરતી અન્ય આરોપી સોએબ અખ્તર કુરેશી, શબ્બીર ઉર્ફે સાગર મોહમ્મદ સિદ્દીક સૈયદ અને આકાશ ભગવાન વાડકેએ પણ દવા પીધી હોવાનો શોર મચાવી અન્ય કેદીઓએ ટીંગાટોળી કરી દવાખાને લઈ આવતા તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા.

આમ, વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં બેરેક બદલી મુદ્દે કાચા કામના આરોપી યશપાલસિંહ જાડેજાએ અન્ય કેદીઓને ઉશ્કેરણી કરતા કેદીઓએ દવા પી લીધી હોવાનો ઢોંગ કરી, પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી, ફરજ પરના પોલીસ તથા મેડિકલ સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જેલ દવાખાનામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવાની સાથે જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે. જેથી આ તમામ 12 કેદીઓ વિરુદ્ધ ઇન્સપેક્ટરએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે રાવપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *