COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં નવા 25 હજાર કેસ, 339 લોકોના મોત

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

ભારતમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 25 હજાર લોકો સંક્રમિત થયા છે અને 339 દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળમાં એક દિવસમાં 15 હજાર લોકો સંક્રમિત થયા છે.

સોમવારની તુલનામાં આ આંકડો પાંચ હજાર જેટલો ઓછો છે. મહારાષ્ટ્રમાં પણ એક દિવસમાં 3 હજારથી ઓછા કેસ નોંધાયા છે. તો ગુજરાતની વાત કરીએ તો અહીં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ માત્ર 161 એક્ટિવ કેસ છે.

મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,404 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 339 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,89,579 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 75,22,38,324 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 78,66,950 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 84 હજાર 159 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,127 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,62,207 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ 4,43,213 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,44,44,967 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 14,30,891 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *