ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, 10 ગામો સંપર્કવિહોણા

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો. જેના કારણે 10 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે.

ભારે વરસાદને કારણે પાણીની આવક થતા ઉકાઇ ડેમ આ વર્ષે 340 ફૂટ સુધી ભરાઈ ગયો છે. તેથી ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધતા તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઇ ડેમના 22 ગેટમાંથી 9 ગેટ 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના કારણે બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પ્રભાવિત થયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કડોદની સામે પારના 10 ગામો પ્રભાવિત થયા છે. આ ગામો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *