હર ઘર તિરંગા અભિયાન: રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

આઝાદીને 75 વર્ષ પૂરા થતા હોય આ નિમિત્તે ગુજરાતમાં લાખો ઘરો, ઓફિસો તમામ સરકારી ઓફિસો, સંસ્થાઓની ઈમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા લોકોમાં પણ જબરદસ્ત ઉત્સાહ જણાઈ રહ્યો છે ત્યારે તિરંગાની આન,બાન, શાન જળવાય તે માટે કેટલાક નિયમોની જાણકારી જરૂરી બની છે.

(1) તિરંગા પર્વોત્સવના ઉત્સાહનું પૂર ઓસરે પછી ફાટેલા, ગંદા થયેલા ધ્વજને કચરાપેટીમાં નાંખી શકાતા નથી કે વેફર-બિસ્કીટના પેકેટની જેમ ક્યાંય ફેંકી શકાતા નથી. આ રાષ્ટ્રધ્વજને અગ્નિદાહ આપીને નિકાલ કરી શકાય પરંતુ, તે કાર્યવાહી જાહેર સ્થળે ન કરી શકાય, ગુપ્ત રીતે થવી જોઈએ.

(2)રાષ્ટ્રધ્વજ દિવસ-રાત અને કોઈ પણ દિવસોમાં ફરકતા રાખી શકાશે. શરત એટલી કે તેની ગરિમા લેશમાત્ર ખંડિત ન થવી જોઈએ. અર્થાત તેને યોગ્ય જગ્યાએ ફરકાવવો જોઈએ.

(3) ધ્વજનો ઉપયોગ કોઈ રમત માટે, ઉડાડવા કે ફેશનમાં કે માર્કેટીંગમાં કરી શકાતો નથી.

(4) ઘણા લોકોએ વાહનો પર લગાવવા રાષ્ટ્રધ્વજ ખરીદ્યા છે પરંતુ, સરકારના નિયમોનુસાર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલો સહિતના અપવાદોને બાદ કરતા અન્ય કોઈ વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવી શકતા નથી.

(5) જે દંડિકા કે ડાંડી (સ્ટિક) પર રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તે જ સ્ટીક પર અન્ય ધ્વજ રાખી શકાય નહીં.

(6)રાષ્ટ્રધ્વજની બાજુમાં તેને સમાંતર કે રાષ્ટ્રધ્વજથી વધુ ઉંચાઈએ કોઈ ધ્વજ એ જ જગ્યાએ ફરકાવી શકાય નહીં.

(7) તાજેતરમાં કેટલાક નેતાઓએ તિરંગા યાત્રામાં ઝંડાને લાકડીની જેમ ખભે અડાડીને નીકળતા તેની ટીકા થઈ હતી, ધ્વજને હાથેથી સીધો ઉંચે જ પકડવાનો હોય છે.

8) ધ્વજ ગમે એટલી સાઈઝના રાખવાની છૂટ પણ તેની લંબાઈ-પહોળાઈનું પ્રમાણ ગુણોત્તર 3:2 ફરજીયાત હોવું જોઈએ.

(9) ધ્વજ ઉપર કોઈ પણ ચિત્ર કે લખાણ કરી શકાતું નથી.

(10) રાષ્ટ્રધ્વજના નિયમો કેન્દ્ર સરકારની એમએચએ.જીઓવી.ઈન વેબસાઈટ પર તથા પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ- 1971માં અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા- 2002માં વિસ્તૃત વિગતો અપાયેલી છે જે ઓનલાઈન જાણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *