તાલિબાને સરકારની જાહેરાત પહેલાં આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યું- કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો તાલિબાનને અધિકાર

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

તાલિબાન આજે અફઘાનિસ્તાનમાં તેની સરકારની જાહેરાત કરી શકે છે. એ પહેલાં તેણે રંગો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારત સાથે સારા સંબંધો જાળવવા તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ગુરુવારે સાંજે એક મુલાકાતમાં કહ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

તાલિબાન આજે અફઘાનિસ્તાનમાં તેની સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. આ માટે કાબુલમાં મંચ તૈયાર કરવામાં આવ્યા છે અને બેનરનાં પોસ્ટરો છાપવામાં આવ્યાં છે. તાલિબાન ઈરાનની જેમ નવી સરકાર બનાવવા પર વિચાર કરી રહ્યું છે અને મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા તાલિબાન સરકારનો પ્રમુખ બની શકે છે. માનવામાં આવે છે કે શુક્રવારની જુમ્માની નમાઝ બાદ એની જાહેરાત કરવામાં આવશે.

તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત લગભગ તમામ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ તેના લડવૈયાઓને પંજશીરમાં પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે. પંજશીર સમર્થકોએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે પહાડો પરથી તાલિબાન લડવૈયાઓ પર ગોળીઓ અને રોકેટ છોડવામાં આવી રહ્યાં છે. આ લડાઈમાં 40થી વધુ તાલિબાન માર્યા ગયા છે, જ્યારે 19 તાલિબાનને પંજશીરની સેનાએ પકડી લીધા છે.

કાબુલ એરપોર્ટ પરથી જ્યારે ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે ત્યારે ભારત ફરી એક વખત પોતાના લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતી વખતે આ માહિતી આપવામાં આવી છે. બાગચીએ કહ્યું હતું કે હાલમાં કાબુલ એરપોર્ટ બંધ છે. જલદી ત્યાં ઓપરેશન ફરી શરૂ થશે, તેઓ કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કરશે.

અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સરકાર બનશે? આ સવાલ પર બાગચીએ કહ્યું હતું કે અમે અનુમાન કરી શકતા નથી. અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સરકાર બની શકે છે તેની અમને કોઈ જાણકારી નથી. કોઈ નક્કર માહિતી નથી. તાલિબાન સાથે ભારતની આગામી મંત્રણાના રોડ મેપના પ્રશ્ન પર બાગચીએ કહ્યું હતું કે એ હા અને ના ની વાત નથી. અમારો ઉદ્દેશ છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય નહીં.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પરથી જલદી ફ્લાઇટ્સ શરૂ થવાની ધારણા છે. કતારની એક ટેક્નિકલ ટીમ એરપોર્ટ પર આતંકવાદી હુમલાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી રહી છે. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ પરથી પોતાનો કબજો છોડ્યા બાદ ત્યાંથી ફ્લાઈટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા સહિત અન્ય દેશો કાબુલ એરપોર્ટ પરથી આર્મી પ્લેન દ્વારા પોતાના લોકોને એરલિફ્ટ કરી રહ્યા હતા, પરંતુ 31 ઓગસ્ટથી કાબુલ એરપોર્ટ તાલિબાનના કબજામાં છે અને હવે એરપોર્ટને ફરીથી શરૂ કરવાની ટેક્નિકલ ખામીઓને દૂર કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના એક મંત્રીએ આ વખતે તાલિબાન સાથેની તેમની નિકટતા વિશેની વાત કબૂલ કરી છે. ઇમરાન સરકારના મંત્રી શેખ રશીદે ખુલ્લેઆમ તાલિબાનનું સમર્થન કરતાં તેને ટેકો આપ્યો છે. રાશિદે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે તાલિબાનના નેતાઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખ્યા છે. તાલિબાન નેતાઓએ અમારે ત્યાં આશરો લીધો હતો, શિક્ષણ લીધું અને અહીં ઘર બનાવ્યું. અમે તાલિબાન માટે બધું જ કર્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *