નાસાએ અંતરિક્ષમાં પૃથ્વીવાસીઓની આંખ સેટ કરી, 10 અબજ ડોલરનો થયો ખર્ચ.

નાસાનું મહાત્વાકાંક્ષી ટેલિસ્કોપ જેમ્સ વેબ આખરે સફળતાપૂર્વક લોંચ થયું હતું. દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું હતું. આ મિશન પાછળ 10 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ઉપગ્રહોની ભ્રમણકક્ષા કરતાં પણ દૂર સેટ થશે.

અસંખ્ય વખત જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ રદ થયા પછી આખરે નાસાએ યુરોપીયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું હતું. હબલ સ્પેસ ટેલિસ્કોપ નિષ્ક્રિય થાય એવી શક્યતા છે. તે પહેલાં નાસાનું આ સૌથી વિશાળ, સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવાઈ જશે.

જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં પૃથ્વીવાસીઓની નવી આંખ બનશે. નાસાએ ટ્વિટરમાં ટેલિસ્કોપના લોન્ચિંગનો વીડિયો રીલિઝ કર્યો હતો.એ વીડિયોને કરોડો લોકોએ જોયો હતો. લોન્ચિંગ પછી આ વીડિયો વાયરલ બન્યો હતો. નાસાએ મિશન લોંચ થયાની જાહેરાત કરતા લખ્યું હતુંઃ અમે ટેલિસ્કોપ લોંચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરિક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઈ જશે. લાંબાં ઈન્તઝારનો અંત આવ્યો. આ મિશનની પ્રક્રિયા ખૂબ જ રોમાંચક રહી હતી.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ મિશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. અંતરિક્ષમાં ઈતિહાસમાં આ મિશન ઘણાં નવા આયામો સર કરશે. બ્રહ્માંડના કેટલાય રહસ્યો સમજવામાં એ મદદરૂપ બનશે. આપણી અંતરિક્ષની સમજને વિકસાવવામાં જેમ્સ વેબ ટ્રેન્ડસેટર સાબિત થશે.

નાસાએ છેક 1996માં મિશનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ 1997થી ફંડ ફાળવવાનું શરૂ કર્યું હતું. 2007માં લોંચ કરવાનું આયોજન પાછું ઠેલાયું હતું. પછી 2021, 2014 અને 2019માં લોંચ કરવાનું વિચારાયું હતું, પરંતુ દરેક વખતે મિશન પાછું ઠેલાયું હતું. એ દરમિયાન મિશનનું બજેટ પણ એક અબજ ડોલરથી વધીને 10 અબજ ડોલર થઈ ગયું હતું. આખરે 2021ના અંતમાં નાસાનું મહાત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોંચ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *