
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના કારોબાર સમૂહમાં નેતૃત્વ બદલવાના પ્રથમવાર સંકેત પાઠવ્યા છે. મંગળવારે તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ સહયોગીઓ સાથે મળી યુવા પેઢીને સુકાન સોંપવાની પ્રક્રિયામાં તેઓ ઝડપ લાવવા માગે છે. દેશની સૌથી સમૃદ્ધ વ્યક્તિ અંબાણીએ સૌથી મૂલ્યવાન કંપનીના ઉત્તરાધિકારી અંગે આ પ્રથમ વખત પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ હવે એક મહત્ત્વનું નેતૃત્વ બદલવા માટેની પ્રક્રિયાના તબક્કા હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી રિલાયન્સ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. હવે 64 વર્ષની ઉંમરના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની જાણકારી આપી. તેમને બે દીકરા આકાશ અને અનંત તથા એક દીકરી ઈશા છે.
એક ટેક્સટાઈલ કંપની તરીકે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી હતી અને આજે એનું કદ સર્વવિદિત છે. પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નું સુકાન સંભાળ્યા પછી મુકેશ અંબાણી કંપનીને નવી ઊંચાઈએ લઈ જઈ શક્યા. તેમને પોતાનાં સંતાનો પર પણ વિશ્વાસ છે કે તેઓ કંપનીને તેમનાથી પણ આગળ લઈ જશે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું, “મોટાં સપનાં અને અશક્ય લાગતા લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે યોગ્ય લોકોને જોડવા અને યોગ્ય નેતૃત્વ હોવું જરૂરી છે. રિલાયન્સ હવે એક મહત્ત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનને અંજામ આપવાની પ્રક્રિયામાં છે. આ પરિવર્તન મારી પેઢીના વરિષ્ઠોથી નવા લોકોની આગામી પેઢીનું હશે. મારાથી લઈને તમામ વરિષ્ઠોએ હવે રિલાયન્સમાં અત્યંત કાબેલ, પ્રતિબદ્ધ તથા પ્રતિભાશાળી યુવા નેતૃત્વને વિકસિત કરવું જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ બનાવવા જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ જ્યારે તેઓ આપણાથી વધુ ઉત્તમ પ્રદર્શન કરતા જોવા મળે તો આપણે આરામથી બેસીને તેમના માટે તાળીઓ વગાડવી જોઈએ.”
સેબીએ આપેલી ડેડલાઈન બાદ આવ્યું મુકેશ અંબાણીનું નિવેદન
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નેતૃત્વ પરિવર્તન અંગેનું નિવેદન સેબીએ એપ્રિલ 2022ની આપેલી ડેડલાઈન પછી આવ્યું છે. વાસ્તવમાં, લિસ્ટેડ કંપનીઓમાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની પોઝિશન્સ અલગ કરવા અંગેની આ ડેડલાઈન છે. સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે આ માટેની ડેડલાઈન લંબાવી હતી. સેબી ચેરમેન અજય ત્યાગીએ કહ્યું હતું, “અમે ઈન્ડસ્ટ્રીને ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની પોઝિશન્સ અલગ કરવા માટે પૂરતો સમય આપ્યો છે. હું માત્ર ઈન્ડસ્ટ્રીને આ નવા નિયમને અનુસરવાની અપીલ કરી શકું છું.”
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આગામી વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીઓમાં સ્થાન ધરાવતી હશે. એમાં સ્વચ્છ અને ગ્રીન ઊર્જાનાં ક્ષેત્રો ઉપરાંત રિટેલ તથા ટેલિકોમ સેક્ટરની ભૂમિકા મહત્ત્વની હશે. તેમણે કહ્યું હતું કે મોટાં સ્વપ્ન અને અશક્ય દેખાતા લક્ષ્યાંકોને શક્ય કરવા માટે યોગ્ય વ્યક્તિઓને જોડવી તથા યોગ્ય નેતૃત્વ હોવું જરૂરી છે. રિલાયન્સ હવે એક મહત્ત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા હેઠળ છે. આ પરિવર્તન મારી પેઢીના વરિષ્ઠ વ્યક્તિથી હવે પછીની નવી પેઢી માટે હશે.