
નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) તથા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (એચએફસી) દ્વારા રિટેલ લોનની વસૂલીની ક્ષમતા કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહી છે.
ધિરાણદારો દ્વારા રિકવરી પર ખાસ ધ્યાન, બોરોઅરો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ્સના ઉપયોગમાં વધારો તથા આર્થિક તથા વેપારી પ્રવૃત્તિઓ ફરી સામાન્ય બનતા બોરોઅરોની રિપેમેન્ટની શક્તિમાં વધારો થયો છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ આ મોરચે હજુ કોરોના પહેલાના સ્તરે પહોંચી શકી નથી. આસામ જેવા ઈશાનના રાજ્યોમાં રાજકીય દરમિયાનગીરી તથા પૂરની સ્થિતિને કારણે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ હજુ કોરોના પહેલાના સ્તરે પહોંચી શકી નથી.
માઈક્રોફાઈનાન્સ લોન પુલ્સમાં વસૂલીની માત્રા ટૂંકા ગાળે તબક્કાવાર સુધરવાની રિપોર્ટમાં ધારણાં વ્યકત કરવામાં આવી છે. મોરેટોરિઅમ પહેલાના સ્તરે પહોંચતા થોડોક સમય લાગશે.
ધિરાણદારો દ્વારા લોન વસૂલી માટે વધારાનો સ્ટાફ મૂકવામાં આવતા અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારાતા વ્યવસાયીક વાહનો અને એસએમઈ લોનની વસૂલીમાં પણ સુધારો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.