સાધુની ભેદી આત્મહત્યા:સંતોએ કુદરતી મોત ગણાવી પાલખી તૈયાર કરી, પેનલ પીએમ કરાવતાં ફાંસો ખાધાનો ઘટસ્ફોટ

ગુણાતીતસ્વામી (ફાઇલ તસવીર)

હરિધામ સોખડામાં પ્રબોધમ જૂથના ગુણાતિત સાધુની ભેદી આત્મહત્યા

હરિભક્તોએ પોલીસને જાણ કરતાં લાશ પાલખીમાંથી ઉતારી પીએમ કરાવ્યું

પરિવારે વિનંતી કરતાં પોલીસને જાણ નહીં કરાયાનો સોખડાના સંતોનો બચાવ

ગળા પર ફાંસો ખાધા હોવાના માર્ક જોયા બાદ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોતી રહી

હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે 7 થી 7:20 વાગ્યા વચ્ચે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હરિધામ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાને 12 કલાક વિતી ગયા બાદ પ્રબોધજૂથના હરિભક્તોએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

સંતોએ કુદરતી મોત નિપજ્યું હોવાનું જણાવ્યુ
ઘટનાની જાણ થયા બાદ પોલીસે પૂછપરછ કરતા સોખડા મંદિરના સંતોએ ગુણાતિત ચરણદાસ સાધુનું કુદરતી મોત નિપજ્યું હોવાની વાત જણાવી હતી. પરંતું પેનલ પીએમ બાદ ગળેફાંસો ખાધો હોવાની વાત બહાર આવતા સંતો ફરી ગયા હતાં. અને પરિવારજનોની વિનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય તે માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.

નશ્વર દેહને સોખડા સ્મશાનમાં લઈ જવાની તૈયારી થઈ ગઈ હતી
ગુણાતિત સાધુના આપઘાત બાદ મૃતદેહને રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સહિત બે સંતોએ નીચે ઉતાર્યો હતો. આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા સોખડા મંદિરમાં રહેતા સંતો દ્વારા કારસો ઘડી મંદિરના સંતોએ તાબડતોબ પાલખીમાં મૃત સાધુનો નશ્વર દેહ ગોઠવી સોખડા સ્મશાનમાં લઈ જવાની તૈયારી કરી લીધી હતી.દરમિયાન પ્રબોધમગ્રુપના હરિભક્તોએ હોબાળો મચાવીને પેનલ પીએમ કરાવવા જિલ્લા એસપી-કલેક્ટરને રજુઆત કરતા તાલુકા પોલીસ મંદિર પહોંચી સાધુના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો.

માર્ક જોયા બાદ પોલીસે પીએમ રિપોર્ટની રાહ જોઈ
​​​​​​​
જોકે ગળા પર ફાંસો ખાંધા હોવાના માર્ક જોયા બાદ પણ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોતી રહી હતી. રિપોર્ટમાં આપઘાત હોવાનું ખૂલતા પોલીસની બે ટીમો હરિધામ મંદિર પહોચીને પંચનામું તેમજ સંતોના નિવેદનો નોંધ્યા હતા.​​​​​​​ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.જી.લાંબરીયાએ જણાવ્યું હતું કે, મંદિરમાં 21 નંબરના રૂમમાં ગુણાતિત ચરણદાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સાથે રહે છે. મંદિરના સીસીટીવી ફુટેજમાં જોતા બુધવારે સાંજે સાત વાગે ગુણાતિત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે.જ્યારે સાંજે 7:20 વાગે પ્રભુપ્રિય સ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે.

ઘટના અંગે પ્રભુપ્રિય સ્વામીએ નિવેદન આપ્યું
​​​​​​​
પ્રભુપ્રિય સ્વામીએ નિવેદનમાં જણાવ્યું હતું કે,તેઓ સવા સાત વાગે દવા લેવા જતા રૂમનો દરવાજો અંદર થી બંધ હતો. અને તેમને ચાવી વડે રૂમ ખોલતા સામે જ ગુણાતિત ચરણદાસ સાધુની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.જેથી પ્રભુપ્રિય સ્વામી તુરંત મંદિરના સંતોને આ અંગે જાણ કરી હતી.​​​​​​​ બીજા એક સંતની મદદથી પ્રભુપ્રિય સ્વામીએ ગુણાતિત સ્વામીની લાશને નીચે ઉતારી હતી.અને મંદિરના ડોક્ટર અશોક મહેતાને બોલાવતા તેઓએ તપાસ કરી તેમને મૃત જાહેર કર્યાં હતાં.

ગુણાતિત ચરણદાસ સાધુ છેલ્લા 40 વર્ષથી સાધુ તરીકે જીવ્યાં
​​​​​​​
સંતોએ ચર્ચા વિચારણા કર્યા બાદ પુર્વાશ્રમના ગુણાતિત સ્વામીના પિતરાઇ ભાઇ અને હાલ સોખડામાં સંત એવા હરિપ્રકાશ સ્વામીએ સગાવહાલાઓને જાણ કરી બોલાવ્યાં હતાં.​​​​​​​સંતોનું કહેવું છે કે, મૃતક સાધુના પરિવારજનોએ જ સંતો અને ટ્રસ્ટીઓને વિનંતી કરી હતી કે, ગુણાતિત ચરણદાસ સાધુ છેલ્લા 40 વર્ષથી સાધુ તરીકે જીવ્યાં હવે તેમને આપઘાત કર્યો હોવાની વાત બહાર ન આવે તેવી અરજ છે.

પોલીસે 4 લોકોના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી
સંતોએ આ અંગેની જાણ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિને કરી ન હોવાનું પ્રભુપ્રિય સ્વામી સહિતના સંતોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે 4 લોકોના નિવેદન નોંધી,મંદિરના સીસીટીવી ફુટેજ, મૃતક સંતનો મોબાઈલ અને મૃતકે જે ગાતરીયાથી ગળે ફાંસો ખાધો હતો તે કબજે લીધા હતાં. પોલીસ હવે વિસેરાની રાહ જોઈ રહી છે.

12 કલાકના ઢાંકપીછોડા પાછળના અનુત્તર સવાલોથી ઘેરાતું રહસ્ય

  • 1.મૃત્યુ અંગે પરિવારને જાણ કરી તો પોલીસને કેમ અજાણ રખાઇ?
  • 2 ગાતરિયું, મોબાઈલ, ખુરશી, ઓશીકુ કોના કહેવાથી હટાવી દેવાયાં?
  • 3 પુરાવાનો નાશ કરવાના પ્રયાસ અંગે કયા સંતો સામે પોલીસ ગુનો નોંધશે?
  • 4 આત્મહત્યાના 12 કલાક સુધી ઢાંકપીછોડાની સ્ટોરીનો ડાયરેક્ટર કોણ?

ખુરશી ઉપર ડોલ અને ઓશીકું મૂકી ગાતરિયાથી ગળે ફાંસો ખાધો
પીએસઆઈ લાંબરીયાએ જણાવ્યું હતું કે, સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો,તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરીયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી તેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકુના સહારો લઈને સાધુએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિય સ્વામી, સગાવહાલા મળી કુલ પાંચ જનના નિવેદનો નોંધ્યાં હતાં.

ગુણાતિત સ્વામીએ બે દિવસ પહેલાં બાકરોલ આવવાની વાત કરી હતી
હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતિત સાધુએ બે દિવસ પહેલા સોખડામાંથી નિકળીને બાકરોલ મંદિરે પ્રબોધસ્વામી સાથે આવવાની વાત કરી હતી. તેઓ હરિધામ છોડવા માંગતા હતાં. પરંતું તેનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. જ્યારે પોલીસ તપાસમાં સાધુ હરિપ્રસાદ સ્વામીના મૃત્યુ બાદ તેમનું મન સોખડામાં લાગતું ન હોવાનું હોવાથી તેઓ બે થી ત્રણ વખત પોતાના ઘરે પણ ગયા હતાં.

હદ થઇ ગઇ… હરિપ્રકાશ સ્વામીએ કહ્યું, સવારે સાધુને તકલીફ થઈ હતી,ડોક્ટરને બોલાવતા મૃત્યુ થયાનું જણાવ્યું
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે ગુણાતિત ચરણ સ્વામીનું ગુરૂવારે સવારે 6 થી 7માં કુદરતી રીતે નિધન થયું છે. તેમને 1979માં દિક્ષા લીધી હતી. તેઓ પૂર્વાશ્રમમાં મારા કઝીન બ્રધર થાય છે. સવારે 7 વાગે પ્રભુપ્રીય સ્વામીને ખ્યાલ આવ્યો કે ગુણાતિત સ્વામીને કોઈ તકલીફ થઈ રહી છે.એટલે ડોક્ટરને બોલાવ્યાં હતાં.ડોક્ટરે તારણ આપ્યું હતું કે,તેમનું વહેલી સવારે મૃત્યું થયું છે.

સવારે જાણ થઇ, મૃત્યુ અંગે અમને કોઈપણ શંકા નથી
હું અમદાવાદ ખાતે રહુ છું. મને 9:30 વાગે માતાનો ફોન આવ્યો અને જાણ થઈ હતી કે મારા પિતા વંથલી ખાતે રહે છે. તેમને 8:30 વાગે હરિધામ મંદિરમાંથી ફોિન આવ્યો હતો. અમને મૃત્યું અંગે કોઈ શંકા નથી. અમે પોસ્ટમોર્ટમ માટેની માંગણી પણ કરી નથી. અમારે કોઈ આક્ષેપ પણ નથી. – સહિષ્ણુ કિશોરભાઈ ત્રાંગડિયા,મૃતકના ભત્રીજા

બંને પક્ષોના નિવેદનોમાં કોઈ વિરોધાભાસ હશે તો આગળની કાર્યવાહી કરીશું
મંદિરના સંતો અને મૃતક સંતના પરિવારજનોના નિવેદનોમાં કોઈ વિરોધાભાસ હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. – રોહન આનંદ,ડીએસપી

​​​​​​​પ્રાથમિક તબક્કે ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું, વિસેરા મોકલાયા છે
પેનલ પીએમ કર્યા બાદ પ્રાથમિક તબક્કે હેન્ગિંગ હોવાનું જણાય છે. વિસેરાનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે. – ડો.રંજનકૃષ્ણ ઐયર, સુપ્રિટેન્ડન્ટ,એસએસજી

અમને ત્રાહિત વ્યક્તિ દ્વારા માહિતી મળતાં સાધુનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો
​​​​​​​પોલીસને ત્રાહિત વ્યક્તિ દ્વારા અને સામેપક્ષ થકી માહિતી મળી હતી કે, હરિધામ સોખડામાં એક સ્વામીનું મરણ થયું છે. આ મરણ શંકાસ્પદ હોવાનું નકારી શકાય તેમ નથી. જેથી ત્યાં પહોચીને મૃતકના સગાવહાલાઓની પૂછપરછ કરી હતી,પરંતું તેમને કોઈ શંકા વ્યક્ત કરી ન હતી. પોલીસે અકસ્માત મોત નોંધીને પેનલ પીએમ કરાવ્યું છે. – વી.જી.લાંબરિયા,પીએસઆઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *