સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, એક દિવસ પહેલા જ હટાવાઈ હતી સુરક્ષા

પંજાબમાં રવિવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પંજાબના માનસા જિલ્લામાં કોંગ્રેસના નેતા અને પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા હુમલાખોરોએ અચાનક ગોળીબાર કર્યો. જેમાં મુસેવાલાનું મોત થયું હતું. પંજાબ સરકારે સુરક્ષા હટાવ્યાના એક દિવસ બાદ મુસેવાલા પર હુમલો થયો હતો. બીજી તરફ NSUIના રાષ્ટ્રીય સચિવ રોશન લાલ બિટ્ટુએ મુસેવાલાની હત્યા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે ભગવંત માન સરકારના ખોટા નિર્ણયને કારણે કોંગ્રેસના નેતા અને પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી છે.

NSUIના રાષ્ટ્રીય સચિવ રોશન લાલ બિટ્ટુએ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પૂછ્યું છે કે શું મુસેવાલાની સુરક્ષા હટાવવી એ જ યોજનાનો એક ભાગ હતો? વાસ્તવમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધુ મુસેવાલાને માનસા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેરના કારણે સિદ્ધુ મુસેવાલાને AAPના ઉમેદવારના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

17 જૂન 1993ના રોજ થયો હતો
પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાનો જન્મ 17 જૂન 1993ના રોજ થયો હતો. સિદ્ધુ મૂઝ વાલા માનસા જિલ્લાના મૂઝ વાલા ગામના રહેવાસી હતા. પંજાબી સિંગર મુસેવાલાના સોશિયલ મીડિયા પર લાખો ફેન ફોલોઈંગ છે. મુસેવાલાના પિતા ભોલા સિંહ ભારતીય સેનામાંથી નિવૃત્ત છે. આ સિવાય તેમની માતા ચરણ કૌર મુસેવાલા ગામની સરપંચ છે. સિદ્ધુ મૂઝ વાલાએ તેમના કોલેજકાળ દરમિયાન સંગીત શીખ્યા હતા. જે બાદ તે કેનેડા ગયા હતા.

7 મિલિયનથી વધુ ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધુ મુસેવાલાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે. તેમની છેલ્લી પોસ્ટ તેમના મૃત્યુના ચાર દિવસ પહેલા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *