
કોરોનાના કેસોમાં થયેલા સતત વધારાને પગલે અત્યાર સુધી વેક્સિન ન લેનાર અને શરદી-ખાંસી જેવી બીમારીનો ભોગ બનેલા લોકોનો વેક્સિનેશન માટે અને કોરોના ટેસ્ટ માટે સવારથી અર્બન હેલ્થ સેન્ટરોમાં ભારે ધસારો રહ્યો હતો. વડોદરા શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકોની લાંબી કતારો લાગી હતી.
વેક્સિન અને કોરોના ટેસ્ટિંગ માટે લોકોનો ધસારો
વડોદરા શહેરના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના ડો. અભિષેક રાઠોડે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના બે દિવસ દરમિયાન વેક્સિનેશન અને કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ હતી. પરંતુ ઉત્તરાયણના બે દિવસ દરમિયાન વેક્સિનેશન અને કોરોના ટેસ્ટ માટે લોકો આવ્યા ન હતા. પરંતુ, આજે સવારથી વેક્સિનેશન અને કોરોના ટેસ્ટ માટે લોકોનો એકાએક જ ધસારો રહ્યો હતો. મહત્વની બાબત એ છે કે, કોરોનાના વધી રહેલા કેસોના પગલે જે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હતો. એવા લોકો પણ હવે બીજો ડોઝ લેવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત શરદી-ખાંસીની ઝપટમાં આવી ગયેલા લોકો પણ કોરોનાના ડરથી રેપિડ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનનો પૂરતો જથ્થો છે.
ઉત્તરાયણ પછી શરદી, ખાંસી અને તાવના દર્દીઓ વધ્યા
વડોદરા શહેરમાં ઉત્તરાયણ તહેવાર પૂરો થતાંની સાથે શરદી, ખાંસી, તાવના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પરિણામે ખાનગી ક્લિનિકો, અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં દવા લેવા માટે તેમજ કોરોનાના ટેસ્ટ માટે ધસારો જોવા મળી રહ્યો છે. ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલમાં લોકોના ધસારાને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કોરોનાના કેસો બેકાબુ વધી જશે.