
કેન્દ્ર સરકાર દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે શક્ય તમામ પગલાં લઇ રહી છે. આ જ રીતે કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર એક્સાઈઝ ડ્યૂટીમાં ક્રમશઃ 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જેના કારણે રવિવારે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું છે. કેન્દ્રએ રાજ્યોને ટેક્સ ઘટાડવાની અપીલ પણ કરી છે. સરકારે લોખંડ, સિમેન્ટ અને સ્ટીલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની પણ જાહેરાત કરી હોવાથી તેના પણ ભાવ ઘટી જશે.
સરકારે ફુગાવાને અંકુશમાં લેવા માટે શું પગલાં લીધાં
(1) કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.આના કારણે સરકાર પર વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.
(2) એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાથી રવિવારે પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.
(3) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી માલભાડાની કિંમતમાં પણ ઘટાડો થશે, જેના કારણે શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.
(4) કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડીની પણ જાહેરાત કરી છે. જેનાથી ગરીબ પરિવારોને રાહત મળશે.
(5) નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શનિવારે કહ્યું હતું કે, લાભાર્થીઓને દર વર્ષે 12 સિલિન્ડર પર સબસિડી મળશે.
(6) કેન્દ્ર સરકાર પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાની પણ યોજના બનાવી રહી છે. આનાથી પ્લાસ્ટિકના ઉત્પાદનો સસ્તા થશે.
(7) કેન્દ્ર સરકાર સિમેન્ટની ઉપલબ્ધતામાં પણ સુધારો કરશે. સિમેન્ટની કિંમત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
(8) પ્લાસ્ટિક તેમજ સ્ટીલ અને લોખંડના ઉત્પાદનો માટેના કાચા માલ પરની કસ્ટમ્સ ડ્યુટી પણ ઘટાડવામાં આવશે.
(9) સ્ટીલના ઉત્પાદન માટે કાચા માલ પરની આયાત ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. આનાથી તેની કિંમતોમાં ઘટાડો થશે. સરકારના આ પગલાંથી સામાન્ય જનતાને રાહત મળશે.
(10) ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ નિકાસ પ્રતિબંધ હટાવી લેતા હવે દેશમાં ખાદ્ય તેલના ભાવમાં પણ ઘટાડો આવવા લાગ્યો છે જે આગામી દિવસોમાં વેગ પકડશે.