યુએસ સિટિઝન એક્ટ બિલમાં આઠ વર્ષ પછી ગ્રીનકાર્ડ આપવાનો પ્રસ્તાવ

અમેરિકાના બંને ગૃહોમાં સિટિઝન એક્ટ બિલ રજૂ થયું હતું. બિલમાં આઠ વર્ષ અમેરિકામાં રહેનારાને ગ્રીનકાર્ડ આપવાનો પ્રસ્તાવ છે. આ બિલ મંજૂર થશે તેનાથી અસંખ્ય ભારતીય આઈટી નિષ્ણાતોને ફાયદો થશે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતાં ૧.૧ કરોડ વિદેશી નાગરિકોને રાહત થશે.

અમેરિકન કોંગ્રેસ સમક્ષ ખૂબ જ મહત્વનું બિલ રજૂ થયું છે. યુએન સિટિઝન એક્ટ બિલ અમેરિકન સંસદના બંને ગૃહોમાં રજૂ થયું છે. આ બિલમાં ઓછામાં ઓછા આઠ વર્ષ અમેરિકામાં રહેનારાને ગ્રીન કાર્ડ આપવાનો પ્રસ્તાવ છે. આ બિલને મંજૂરી મળશે તે સાથે જ ૧૦-૧૦ વર્ષથી ગ્રીનકાર્ડની રાહ જોતાં અસંખ્ય ભારતીયોને કાયમી વસવાટની પરવાનગી મળી જશે.

સેનેટ સમક્ષ બિલ રજૂ કરતાં બોબ મેનેન્ડેઝે કહ્યું હતું કે આ બિલની મદદથી આપણે એક કરોડ ૧૦ લાખ લોકોને કાયમી વસવાટ આપીશું. આ લોકોની લાંબી પ્રતિક્ષાનો અંત આવશે અને તેમના માથે લાગેલું ગેરકાયદે વસવાટનું ટેગ હંમેશા માટે દૂર થશે. એક કરોડ કરતાં વધુ લોકોને આપણે અંધકારમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બનીશું.

નીચલા ગૃહમાં બિલ રજૂ કરનારાં કોંગ્રેસવુમેન લિન્ડે સેન્ચેઝે કહ્યું હતુંઃ હું ખુદ એક વિદેશી મૂળની અમેરિકન નાગરિક છું. મારા માતા-પિતા મેક્સિકોથી અમેરિકા આવ્યા હતા. હું ઈમિગ્રેશન સિસ્ટમ સરળ બનાવવા વર્ષોથી લડત ચલાવું છું અને એ લડત હવે એક મુકામ પર પહોંચી છે તેનો આનંદ છે. આ બિલ પાસ થઈ જશે પછી દસ્તાવેજો વગર રહેતા કરોડ કરતાં વધુ લોકો ડર વગર જીવી શકશે.

આ  બિલમાં દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની મર્યાદા હટાવવાની પણ જોગવાઈ છે.

અત્યાર સુધી અમેરિકામાં કન્ટ્રી કેપ સિસ્ટમ અમલી છે. એ સિસ્ટમ મુજબ દેશના આધારે મર્યાદિત નાગરિકોને ગ્રીનકાર્ડ મળે છે, પરંતુ નવી જોગવાઈ પ્રમાણે એ મર્યાદા હટી જશે એટલે વધુ વિદેશી નાગરિકોને પરવાનગી મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *