
કસ્ટોડિયલ ડેથ માટે જાણીતા ફતેગંજ પોલીસ મથક ના લોકઅપમાં પોલીસની નિષ્કાળજીથી ગઇ કાલે રાત્રે વધુ એક મોત થતા સહેજ માં રહી ગયું હોવાની ચકચારી ઘટના બહાર આવી છે. સટ્ટાના આરોપીને માર માર્યા બાદ કસ્ટડીમાં બેભાન થઈ ઢળી પડયો હતો અને બે કલાક નો સમય થઈ જવા છતાં એને સારવાર માટે લઈ જવાયો ન હતો. બાદમાં મોડી રાત્રે સગાઓ હોબાળો મચાવી પોતાની કારમાં હોસ્પિટલ માં લઇ ગયા હતા જ્યાં ગંભીર હાલત માં સારવાર કરનાર તબીબો એ જણાવ્યું હતું કે 10 મિનિટ મોડા પડ્યા હોત તો મોત થઈ ગયું હોત.
નિઝામપુરાના સુશિલ નગરમાં ઘર પાસે ઓનલાઇન સટ્ટો રમતા જૈમિન જિતેન્દ્ર પટેલની ફતેગંજ પોલીસે બુધવારે રાત્રે 9.30 વાગે ધરપકડ કરી મોબાઈલ સહિત રૂા.50,000ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશન લઇ જઇ લોકઅપમાં રખાયો હતો.
પોલીસની ગુનાહિત બેદરકારી અંગે આરોપી ના પિતા જીતુભાઈ એ જણાવ્યું હતું કે રાત્રે 9.30 વાગ્યા બાદ મારા ઘરે ફતેગંજ પોલીસની બે ગાડીઓ આવી હતી અને મારા 28 વર્ષીય પુત્ર જૈમિનને ક્રિકેટ નો સટ્ટો રમતો હોવાનું જણાવી જીપમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા.
બાદમાં જીતુભાઈ એ એમની વકીલ બહેન અલકા ને લઈ પોલીસ મથકે કલાક પછી પહોંચ્યા હતા ત્યાં નું દ્રશ્ય જોઈ જીતુભાઈ ગભરાઈ ગયા હતા. પુત્રને કસ્ટડીમાં બેભાન પડેલો જોઈ હાજર પોલીસ કર્મીઓ ને શું થયું મારા પુત્ર ને ઘરેથી ચાલતો લઈ ને જીપ માં બેસાડ્યો હતો અચાનક નીચે પડેલો છે અને બોલવા છતાં કોઈ જવાબ કેમ નથી આપતો? એવા સવાલો કરતા પોલીસ કર્મીઓ આઘાપાછા થઈ ગયા હતા .
પરિણામે ગભરાઈ ગયેલા જીતુભાઈએ એમ્બ્યુલન્સ બોલાવો એવા બૂમબરાડા કરવા છતાં પોલીસે કોઈ દરકાર નહી કરતાં અંતે સગાઓ ને પોતાની જવાબદારી ઉપર લઈ જવો હોય તો લઈ જાવ એવું જણાવતા ખાનગી કાર માં મોડી રાત્રે પિતા પોતાના ના પુત્ર ને લોકઅપમાંથી બીજાઓની મદદ લઈ સારવાર માટે નરહરિ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં તબીબો એ તાત્કાલિક ઓક્સિજન આપી એની આઇ સી યુ માં સારવાર શરૂ કરી હતી અને સગાઓ ને દર્દી ની હાલત અંત્યંત નાજુક છે માત્ર 10 મિનિટ મોડા લાવ્યા હોત તો મોત થઈ ચૂક્યું હોત એમ જણાવ્યું હતું. જીતુભાઈએ પોલીસ ના વર્તન અંગે રોષ વ્યક્ત કરી ઉચ્ચ કક્ષા રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં મારા પુત્રની સારવારને પ્રાથમિકતા આપીશ બાદમાં માનવતા ચૂકેલા અને માર મરનાર જયદીપ નામનાં જવાન વિરુદ્ધ રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.
સારવાર માટે મધરાતે પિતાએ દરવાજો ખુલ્લો રાખી કાર ભગાડી
ફતેગંજ પોલીસ મથક ના લોકઅપ માં કલાકો સુધી બેભાન અવસ્થા માં પડી રહેલા જૈમિન નું શરીર કડક થઈ ગયું હતું મોઢા માં થી ફીણ નીકળતું હતું એ જોઈ પિતા સહિત ના સગા ઓ એ એમ્બ્યુલન્સ બોલાવવા ચિસા ચીસ કરી મૂકી હતી તેમ છતાં પોલીસે નહિ બોલાવતા પોતાની ખાનગી કાર માં પિતા જૈમિન ને સારવાર માટે લઈ જવા સગા ઓ ની મદદ થી ઉંચકી કાર માં મૂક્યો હતો પરંતુ શરીર અક્કડ થઇ ગયું હોવા પગ નહિ વળતા પિતા એ દરવાજો ખુલ્લો રાખી કાર જીવ ના જોખમે ભગાવી પુત્ર ને હોસ્પિટલ લઈ ગયા હતા.
પોલીસે પિતા પાસે કોરા કાગળો ઉપર સહી કરાવી
ફતેગંજ પોલીસ મથક ના લોકઅપમાં અચેત પડી રહેલા પુત્ર ને સારવાર માટે લઈ જવા પોલીસને કાકલૂદી કરતા પિતા જીતુભાઈ ને પોલીસે આવા સમયે પણ અક્કડ રહી તમારી જવાબદારી એ લઈ જવો હોય તો લઈ જાવ અને કોરા કાગળો ઉપર સહી કરી આપો તો જ લઈ જવા દઈશું એમ કહેતા વિવશ બનેલા જીતુભાઈ એ કોરા કાગળો ઉપર સહી કરી આપ્યા બાદ જ મોડે મોડે પુત્ર ને સારવાર માટે લઇ જવાની મંજુરી આપી હતી.
ગોરવાના શહીદે મફતમાં આઇડી આપ્યાની કબૂલાત
પોલીસની પુછપરછમાં જૈમીને જણાવ્યું હતું કે ‘ શહીદ નામનો ગોરવાનો યુવક નિઝામપુરા બેસવા માટે આવતો હતો તેની સાથે દોસ્તી થતાં તેણે મફતમાં આઈડી આપી હતી. જો કે પોલીસે જણાવ્યું હતું કે ‘ આઈડી કોઈ મફત આપે નહી પણ તેની વધુ પુછપરછ થશે. જૈમીન સાથે અન્ય કેટલાક લોકો પણ સંકળાયેલા છે કે કેમ? તે અંગે પણ તપાસ જારી છે એમ પોલીસે જણાવ્યું હતું.
શેખ બાબુ જેવી ઘટનાનું પુનરાવર્તન થતાં સહેજમાં રહી ગયું
અગાઉ ફતેગંજ પોલીસ મથકના ચકચારી શેખ બાબુ કસ્ટોડિયલ કેસમાં પીઆઇ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો જેલમાં છે છતાં પોલીસ કર્મીઓએ બોધપાઠ નહિ લેતાં બીજો કેસ નોંધાતાં સહેજમાં રહી ગયો હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.