ટેસ્લાના શૅરમાં ગાબડાં પછી ઈલોન મસ્કે ૨૭ અબજ ડોલર ગુમાવ્યા

ટેસ્લા ઈન્કના સીઈઓ ઈલોન મસ્કે ગયા વર્ષે ઈતિહાસમાં સૌથી વધુ ઝડપથી સંપત્તિ સર્જવાનો વિક્રમ સર્જ્યો હતો. હવે તેનાથી વિપરિત પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને તેઓ સૌથી ઝડપથી સંપત્તિ ગુમાવી પણ રહ્યા છે. અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક ઓટો ઉત્પાદક ટેસ્લાના શૅર્સમાં વેચવાલીના પગલે ઈલોન મસ્કે ચાર જ દિવસમાં ૨૭ અબજ ડોલર ગુમાવ્યા છે. મસ્કની આ સંપત્તિ ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિઓ અઝીમ પ્રેમજી (૮.૬ અબજ ડોલર) અને ઉદય કોટક (૧૫.૯ અબજ ડોલર)ની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. ઈલોન મસ્કના નુકસાન જેટલી ભારતના ટોચના ૧૦ ધનિકોમાં અંબાણી-અદાણી સિવાય અન્ય કોઈની નેટવર્થ પણ નથી. 

ટેસ્લાના શૅર્સ શુક્રવારે ૩.૮ ટકા ઘટીને શુક્રવારે ૫૯૭.૯૫ ડોલર ઉપર બંધ થતાં પહેલાં ૧૩ ટકા ગગડયા હતા. આ ઘટાડા સાથે મસ્કને ચાર દિવસમાં ૨૭ અબજ ડોલરનું નુકસાન થયું. ઈલોન મસ્ક હવે ૧૫૬.૯ અબજ ડોલરની નેટ વર્થ સાથે હજી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં બીજા ક્રમે છે, પરંતુ તેઓ હવે વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોસ કરતાં ૨૦ અબજ ડોલર પાછળ રહી ગયા છે. મસ્કે ગયા સપ્તાહે વિશ્વના નં.-૧ ધનિક તરીકે જેફ બેઝોસને હટાવીને પોતે સ્થાન મેળવ્યુંહતું. મસ્કની સંપત્તિમાં ઘટાડો તેની ચઢતીના વેગ જેટલો જ અસાધારણ છે. ટેસ્લાના શૅર વર્ષ ૨૦૨૦માં ૭૪૩ ટકા ઊછળ્યા હતા. પરિણામે તેની સંપત્તિના મૂલ્યમાં જંગી ઊછાળો આવ્યો હતો અને તેના ઐતિહાસિક ‘મૂનશોટ’ વળતર પેકેજ મારફત મસ્કની સંપત્તિ અબજો ડોલર વધી હતી. 

નવા વર્ષમાં પણ મસ્કની સંપત્તિમાં વધારો યથાવત્ રહ્યો હતો. જાન્યુઆરીમાં મસ્કે અમેઝોનના વડા જેફ બેઝોસને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના પદેથી હટાવી દીધા હતા. આ સમયે તેમની સંપત્તિ ૨૧૦ અબજ ડોલર હતી તેમ વિશ્વના ૫૦૦ ધનિકોનું રેન્કિંગ જાહેર કરતા ઈન્ડેક્સે જણાવ્યું હતું.  

સાતત્યપૂર્ણ ત્રિમાસિક નફો, ક્લિન ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકતા અમેરિકન ડેમોક્રેટ નેતા જો બાઈડેનનો પ્રમુખપદની ચૂંટણીમાં વિજય અને રીટેલ રોકાણકારોના ઉત્સાહના પગલે કંપનીના શૅરમાં તેજી જોવા મળી હતી, પરંતુ અનેક લોકોના મતે ટેક્નોલોજી કંપનીની વેલ્યુએશન અવાસ્તવિક હતી. નાસ્ડેક ૧૦૦ ઈન્ડેક્સ ગયા શુક્રવારે સતત ત્રીજા સપ્તાહે ગગડયો હતો, જે સપ્ટેમ્બર પછી તેમાં સૌથી લાંબી નરમાઈ જોવા મળી હતી.

મસ્કની સંપત્તિમાં વધારો માત્ર ટેક્નોલોજી ઉદ્યોગના લાભને કારણે જ નથી થયો. તાજેતરમાં બિટકોઈનના ભાવની સાથે મસ્કની સંપત્તિમાં વધારો થયો હતો. ટેસ્લાએ ગયા મહિને જણાવ્યું હતું કે, તેણે ગયા મહિને તેની બેલેન્સશીટમાં ક્રિપ્ટો કરન્સીના ૧.૫ અબજ ડોલર ઉમેર્યા હતા. બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સીના ભાવ ખૂબ જ ઊંચા હોવાની મસ્કની ટ્વીટ પછી ક્રિપ્ટો કરન્સીના ભાવમાં કડાકો બોલાયો હતો અને મસ્કની સંપત્તી બે સપ્તાહમાં ૧૫ અબજ ડોલર ઘટી હતી.  

આ વર્ષે વિશ્વના અનેક ધનિકોની સંપત્તિમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગયા મહિને એશિયાના સૌથી ધનિક અને ચીનના બોટલ વોટર ટાયકૂન ઝોન્ગ શાનશાનની સંપત્તિમાં કેટલાક દિવસમાં ૨૨ અબજ ડોલરથી વધુનો ઘટાડો થતાં ભારતના અબજોપતિ મુકેશ અંબાણી ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. ક્વિકેન લોન્સ ઈન્કના ચેરમેન ડાન ગિલ્બર્ટની નેટવર્થ સોમવારે ૨૫ અબજ ડોલર વધી ગઈ હતી. જોકે, ત્યાર પછી તેમની સંપત્તિ ૨૪ અબજ ડોલર ઘટી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *